બારડોલીના બાબેન ગામના ‘અત્યુત્તમમ્’ સખી મંડળની બહેનો કેવી રીતે બની ‘લખપતિ દીદી ! જુઓ રીપોર્ટ

બારડોલીના બાબેન ગામના ‘અત્યુત્તમમ્’ સખી મંડળની બહેનો કેવી રીતે બની ‘લખપતિ દીદી ! જુઓ રીપોર્ટ 

૧૦૦% ‘હેન્ડમેડ અને હોમમેડ’ સર્ટિફાઇડ નેચરલ આયુર્વેદિક બ્યુટી પ્રોડક્ટ્સ બનાવી બારડોલીના બાબેન ગામના ‘અત્યુત્તમમ્’ સખી મંડળની બહેનો બની ‘લખપતિ દીદી’

--------

સખી મંડળની સ્થાપનાના પ્રથમ વર્ષે જ અંદાજે રૂ.૩૦ લાખનું ટર્ન ઓવર અને રૂ.૧૨.૫૦ લાખના નફા સાથે સખી મંડળની બહેનો બની પગભર

-------- 

કોરોનાકાળ બાદ નોકરી છૂટી જતાં આર્થિક ઉપાર્જન માટે મિશન મંગલમ યોજના હેઠળ સખી મંડળ બનાવ્યું: આયુર્વેદિક ઔષધિ અને રસોડાની સામગ્રી દ્વારા વિકસાવી નેચરલ બ્યુટી પ્રોડક્ટ

---------  

અત્યુતમમ્ સખી મંડળને વિવિધ યોજના થકી રૂ.૩૦ હજારનું રિવોલ્વીંગ ફંડ, રૂ.૧.૫૦ લાખની કેશ ક્રેડિટ અને રૂ.૨ લાખની કિંમતનું ફ્લાવર ડ્રાયર અને મિક્સર મશીનની સહાય મળી

---------

‘સખત પરિશ્રમ અને રાજ્ય સરકારની મિશન મંગલમ યોજનાના સથવારે એક જ વર્ષમાં આર્થિક રીતે પગભર બનેલી બહેનો તેમના પરિવાર, સમાજ સહિત અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ:’     

                                  અત્યુતમમ્ મંડળ પ્રમુખ પુનિતાબેન    

---------

કોરોનાના કપરા કાળમાં ચોતરફ આફતોથી ઘેરાયેલા લોકો વચ્ચે પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી ઘણી મહિલાઓની રોજીને પણ મોટો ફટકો પડ્યો હતો. કોરોનામાં બંધ થયેલી એક પ્રિ-સ્કૂલમાં કામ કરતી બારડોલીના બાબેન ગામની ૫-૬ મહિલાઓને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે તેમાંથી એક એવા મોતા ગામના વતની પુનિતાબેન ગડરિયાએ તેમની સૂઝબૂઝ સાથે આ મહિલાઓને ભેગી કરી નાના પાયે સ્વરોજગાર કરવાનું વિચાર્યું. અને તાલુકા પંચાયત પાસેથી મિશન મંગલમ(NRLM) હેઠળ સખી મંડળની રચના માટે માર્ગદર્શન મેળવ્યું.   


દાદા સાથે રહીને મોટા થયેલા પુનિતાબેન નાનપણથી આયુર્વેદીક ઔષધિઓનું જ્ઞાન ધરાવતા હતા. તેનો ઉપયોગ કરી તેમણે બ્યુટી પ્રોડક્ટ્સ બનાવવાનું વિચાર્યું અને શરૂઆતમાં પોતાના માટે જ કેટલીક દૈનિક વપરાશ માટેની પ્રોડક્ટ્સ બનાવી. મહિનાઓ સુધી પોતે તેનો વપરાશ કરી રોજગાર ઇચ્છતી ૧૦ મહિલાઓને ભેગી કરી સખી મંડળની રચના કરી. જેને નામ આપ્યું ‘અત્યુતમમ્’. 

આ વિષે વધુ જણાવતા મંડળના પ્રમુખ પુનિતાબેન જણાવે છે કે, ‘અત્યુતમમ્’ એક સંસ્કૃત શબ્દ છે. જેનો મતલબ અતિ ઉત્તમ એવો થાય છે. દાદા પાસેથી મળેલા જ્ઞાનનો ઉપયોગ કરી મને આયુર્વેદ ઔષધિઓમાંથી પ્રકૃતિને આધિન સૌંદર્ય પ્રસાધનો બનાવવાનો વિચાર આવ્યો. અને એને અમલમાં મૂકતાં ગત વર્ષે અત્યુતમમ્ ની રચના કરી. એક દુકાનમાં નાના પાયે શરૂઆત કરીને સારો પ્રતિસાદ મળતા અમે થોડા થોડા જથ્થામાં સ્કીન અને હેર કેર માટેની ૧૦૦% ‘હેન્ડમેડ અને હોમમેડ’ સર્ટિફાઇડ નેચરલ પ્રોડક્ટ્સ બનાવી. આ માટે ગ્રામીણ બેંક બારડોલી પાસેથી રૂ.૧.૫૦ લાખની કેશ ક્રેડિટ તેમજ રૂ.૩૦ હજારનું રીવોલ્વીંગ ફંડ પણ મેળવ્યું હતું. સાથે જ ન્યુ ગુજરાત પેટર્ન પ્રોજેક્ટ હેઠળ રૂ.૨ લાખની કિંમતનું ફ્લાવર ડ્રાયર એન્ડ મિક્સર સ્ટીલનું મશીન, ક્રીમ મેકિંગ મશીન, ઓઇલ મેકિંગ મશીન પણ મળ્યું છે.  

જેના થકી ધીરે ધીરે અમે અમારી પ્રોડક્ટસનું વિસ્તરણ કર્યું. પ્રોડક્ટ્સ વિષે વિસ્તારથી જણાવતા તેમણે કહ્યું કે, ચામડી માટે સાબુ, લોશન, ક્રીમ, જેલ, ફેશિયલ કીટ, સ્ક્રબ તેમજ વાળ માટે શેમ્પૂ, કન્ડિશનર, હેર કલર, ખોળો કે વાળ ખરતા હોય તે માટેની રૂ.૩૦૦ થી ૧૪૦૦ સુધીની વિવિધ ૭૬ નેચરલ પ્રોડક્ટ્સ બનાવી છીએ. સાથે જ શિરોધારા, તકધારા, ક્ષીરધારા, ગુલાબજળ ધારા, અરોમા થેરાપી સહિતની રૂ. ૪૦૦ થી ૪૦૦૦ સુધીની આયુર્વેદિક બ્યુટી ટ્રીટમેન્ટ પણ આપીએ છીએ. ઔષધીય ગુણોયુક્ત મેનિક્યોર–પેડિક્યોર પણ કરીએ છીએ. 

પ્રોડકટની વિશેષતાઓ જણાવતા તેમણે કહ્યું કે, આયુર્વેદિક ઔષધિ અને રસોડાની સામગ્રીમાંથી જાતે તૈયાર કરેલી અમારી દરેક પ્રોડક્ટ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી અને લેબ ટેસ્ટેડ તેમજ સરિફાઇડ છે. કેમિકલ રહિત હોવાને કારણે એક જ વર્ષનો ઉપયોગિતા ગાળો(વેલીડીટી) ધરાવે છે. તેમજ આ દરેક વસ્તુઓ તાંબું, પિત્તળ, કાંસું, માટી, કાંચ કે લાકડાના વાસણમાં વિવિધ શ્લોક અને મંત્રોચ્ચારના ઉચ્ચારણ સાથે તૈયાર કરાય છે. જેથી પ્રોડ્કટની ગુણવતા અને અસરકારક્તામાં ખૂબ વધારો થાય છે. 

વધુમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા યોજાતા વિવિધ મેળાઓમાં સ્ટોલ મળવાથી અમને માર્કેટિંગ અને વેચાણની સારી તક મળી છે. સર્ટિફાઇડ નેચરલ પ્રોડક્ટ હોવાને કારણે ઘણાં વિદેશી કસ્ટમર પણ બંધાયા જેમને અમારી પ્રોડકટ નિયમિત રીતે એક્સપોર્ટ કરીએ છીએ. આ રીતે સ્થાપનાના પ્રથમ વર્ષમાં જ અમે રૂ.૩૦ લાખનું ટર્ન ઓવર અને રૂ.૧૨.૫૦ લાખના નફા સાથે પગભર બન્યા. જેથી માસિક અંદાજે દરેક બહેનોને ૧૨ થી ૧૩ હજારની આવક બંધાઈ ગઈ. અને અમી સૌ લખપતિ દીદી બન્યા.    


 સખત પરિશ્રમ અને રાજ્યસરકારની NRLM તેમજ GLPC યોજનાના સથવારે એક જ વર્ષમાં આર્થિક રીતે પગભર બનેલી અમારા મંડળની બહેનો તેમના પરિવાર, સમાજ સહિત અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ છે, એમ જણાવતા પુનિતાબેને રાજ્યસરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અને અત્યુતમમ્ થકી બીજી અનેક મહિલાઓને આર્થિક સક્ષમ બનાવવાની ખેવના વ્યક્ત કરી હતી. વિશેષત: તાજેતરમાં જલગાંવ ખાતે યોજાયેલા લખપતિ દીદી સંવાદ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રીએ પુનિતાબેન સાથે સંવાદમાં અત્યુતમમ્ સખી મંડળની ઉત્તમ કામગીરીની પ્રશંસા પણ કરી હતી. 

Comments

Popular posts from this blog

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ