ઓલપાડ ગ્રામ પંચાયત ખાતેથી સુરત જિલ્લામાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનો શુભારંભ કરાવતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

 

ઓલપાડ ગ્રામ પંચાયત ખાતેથી સુરત જિલ્લામાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનો શુભારંભ કરાવતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

----------

ઓલપાડ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષતામાં “સ્વચ્છતા હી સેવા” જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

-------- 

પ્લાસ્ટિકના ઉપયોગના સ્થાને કાપડની થેલી ઉપયોગ કરવાનો અનુરોધ કરતા વનમંત્રી

-------- 

આગામી દિવસોમાં ઓલપાડ, કીમ અને સાયણ ખાતે વેન્ડિંગ મશીન મૂકાશે, જેમાં ૫ રૂપિયામાં કાપડની થેલી મળશે: વનમંત્રી મુકેશભાઈ પટેલ

-------

ઓલપાડ ખાતે સફાઇ અભિયાન અંતર્ગત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓએ સફાઇ કરીઃ

----------

તા.૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિએ ગાંધીજીને શ્રદ્ધાંજલી આપવાના હેતુ સાથે સમગ્ર ભારત સહિત રાજ્યમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઓલપાડ ખાતેથી સુરત જિલ્લામાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં તેમણે સ્વચ્છતા  રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. 

             ઓલપાડ માર્કેટ ખાતે સફાઇ અભિયાન અંતર્ગત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહિત નહેરુ યુવા કેન્દ્ર અને મેરા યુવા ભારતના સ્વયંસેવકો, પદાધિકારી- અધિકારીઓએ સાફ- સફાઇ કરી હતી. ઉપસ્થિત સૌએ સ્વચ્છતા શપથ ગ્રહણ કર્યા હતા,

                  આ પ્રસંગે મંત્રીશ્રી મૂકેશભાઈ પટેલે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આજે જન્મ દિવસ છે, ત્યારે આજથી લઈ ૨જી ઓકટોબર સુધી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન દેશમાં ચાલશે. ‘‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’’ની થીમ સાથે દોઢ માસ સુધી જનભાગીદારી સાથે ઉજવણી કરવામાં આવશે. સફાઇ અભિયાનએ જન આંદોલન છે જેમાં આપણે સૌએ પોતાનું યોગદાન આપવું પડશે. અભિયાનની શરૂઆત આપણા પોતાના ઘરથી કરવી પડશે.

               વધુમાં તેમણે જણાવ્યું કે, પ્લાસ્ટિકના ઉપયોગના સ્થાને કાપડની થેલી ઉપયોગ કરવો જોઈએ, આવનાર સમયમાં ઓલપાડ, કીમ અને સાયણ ખાતે વેન્ડિંગ મશીન મૂકવામાં આવશે, જેમાં ૫ રૂપિયામાં કાપડની થેલી મળશે. દરેક લોકોએ કાપડની થેલીનો જ ઉપયોગ કરવા અને અભિયાનમાં જોડાવા માટે મંત્રીએ અનુરોધ કર્યો હતો.

           આ પ્રસંગે જિ.પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, જિ. વિકાસ અધિકારી શિવાની ગોયલ, જિ.ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, તા.પંચાયત પ્રમુખ નિતાબેન પટેલ, તા.વિકાસ અધિકારી હાર્દિક ગઢવી, અગ્રણી બ્રિજેશભાઈ પટેલ, પદાધિકારી-અધિકારીઓ, નગરજનો અભિયાનમાં જોડાયા હતા.






Comments

Popular posts from this blog

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ